Indian Railways News => Topic started by nikhilndls on Jun 24, 2013 - 18:30:47 PM


Title - રેલવેએ રાહત સામગ્રી મફતમાં લઇ જવાનો પરિપત્ર જ બહાર નહિ પાડતા તંત્ર અવઢવમાં
Posted by : nikhilndls on Jun 24, 2013 - 18:30:47 PM

સુરત,તા.૨૩

દેશના કોઇ પણ ખૂણે કુદરતી આપદા આવે ત્યારે ત્યાં રાહત સામગ્રી મોટા ભાગે રેલવે મારફતે પહોંચાડવામાં આવતી હોય છે. જેને કારણે આવી પરિસ્થિતિને ધ્યાને રાખી તાત્કાલિક રેલવે વિભાગ રાહત સામગ્રી પહોંચાડવા માટે એક પણ રૂપિયાનો ચાર્જ રેલવેએ લેવો નહિ તેવો પરિપત્ર બહાર પાડવામાં આવતો હોય છે. જ્યારે પશ્ચિમ રેલવેમાં હજુ પણ આવો કોઇ પણ પરિપત્ર નહિ આવતા રાહત સામગ્રી પહોંચાડવા માટે નાણાં વસૂલવા કે કેમ તે અંગે સ્થાનિક તંત્ર અવઢવમાં મુકાયું છે.

ઉત્તરકાશીમાં સર્જાયેલી ભારે તારાજીને પગલે સમગ્ર દેશમાંથી રાહત સામગ્રી પહોંચાડવાની શરૂઆત થઇ છે. ત્યારે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પણ રાહત સામગ્રીનો મોટો જથ્થો રવાના કરવામાં આવનાર છે. તેમજ ત્યાંના લોકોની જરૂરિયાતને ધ્યાને રાખીને પણ આગામી દિવસોમાં તે જ વસ્તુ લોકો સુધી પહોંચાડવાની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરંતુ આ રાહત સામગ્રી ટ્રેન મારફતે પહોંચાડવા માટે રેલવે તંત્ર દ્વારા દર વખતે રાહત સામગ્રી મોકલવા માટે એક પણ રૂપિયો વસૂલવો નહિ તેવો પરિપત્ર બહાર પાડવામાં આવતો હોય છે. જ્યારે હજુ આજે પણ આવો કોઇ પરિપત્ર પશ્ચિમ રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશન પર મોકલવામાં આવ્યો નહિ હોવાના કારણે રાહત સામગ્રી પેટે ચાર્જ વસૂલવો કે કેમ તે અંગે સ્થાનિક તંત્ર અવઢવની સ્થિતિમાં મુકાયા છે. જેથી આગામી દિવસોમાં રેલવે તંત્ર દ્વારા રાહત સામગ્રી પહોંચાડવા માટે તાકીદે અગાઉની જેમજ પરિપત્ર બહાર પાડવામાં આવે તેની રાહ જોવાઇ રહી છે.