Indian Railways News => Topic started by eabhi200k on Jun 24, 2013 - 12:30:10 PM


Title - ભાજપ-કોંગ્રેસ કાર્યકરોની નારાબાજી ઉધના સ્ટેશને ટ્રેનનો આરંભ કાર્યક્રમ રાજકીય અખાડો બન્યો સાંસદ સી.આર
Posted by : eabhi200k on Jun 24, 2013 - 12:30:10 PM

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
ઉધના-વારણસી અઠવાડીક ટ્રેનના શુભારંભનો કાર્યક્રમ આજે એક તમાશો બની ગયો હતો. ઉધના રેલ્વે સ્ટેશને યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ભારે નારાબાજી કરીને સરકારી કાર્યક્રમને રાજકીય અખાડો બનાવી દીધો હતો. ભારે શોરબકોર અને અરાજકતા વચ્ચે અંતમાં કેન્દ્રના રાજ્ય કક્ષાના મંત્રી ભરતસિંહ સોલંકીએ લીલી ઝંડી બતાવીને નવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ઉધના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૨ ઉપર એક કલાક રાજકીય પક્ષોના કાર્યકરોએ સરકારી કાર્યક્રમને માથે લીધું હતું. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સાંસદો અને નેતાઓ સાથે આવી પહોંચ્યા હતા અને કાર્યક્રમની શરૃઆતમાં સૂત્રોચ્ચાર સાથે માથાકૂટ શરૃ થઇ હતી. રાજકીય પક્ષોના કાર્યકરોનો એજન્ડા કાર્યક્રમ નહીં થવા દેવાનો હોય તેમ નારાબાજી છેક સુધી જારી રહ્યા હતા.
કાર્યક્રમના આરંભમાં સાંસદ સી.આર. પાટીલે વક્તવ્યની શરૃઆત કરતાં જણાવ્યું કે, ભાજપના આંદોલનને કારણે બે વર્ષ પછી સુરતને આ નવી ટ્રેન મળી છે. આ ટ્રેનથી જો કે, અમારી જરૃરીયાત સંતોષાતી નથી. બજેટમાં જાહેર થયા પ્રમાણે ટ્રેન શરૃ કરવામાં આવી છે. પણ, આ ટૂકડો ફેંકવાથી માંગણી સંતોષાતી નથી. કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ એક સંમેલનમાં કરેલી ટીપ્પણીનો જવાબ આપતાં તેમણે જણાવ્યું કે, તેઓ કહે છે કે, આંદોલનને કારણે ટ્રેનો અપાઇ નથી. પણ, અમે આંદોલન કર્યું અને પશ્ચિમ રેલ્વેના ડીઆરએમએ એક જ દિવસમાં ૧૬ માંગણીઓ સ્વીકારી હતી.
જો કે, સાંસદ પાટીલે પ્રવચનમાં કોંગ્રેસને ફીક્સમાં મૂકવાની શરૃઆત કરતાં ભારે હોબાળો શરૃ થયો હતો અને કોંગ્રેસી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને તેઓને પ્રવચન કરતાં રોકવાની ચેષ્ટા કરી હતી. સાંસદને ઓછામાં ઓછા ચારેક વખત બોલતાં અટકાવવામાં આવતાં, મામલો ગરમાયો હતો. કોંગ્રેસી કાર્યકરોએ ઘોંઘાટ મચાવીને નારાબાજી ચાલું રાખતાં, ભાજપ કાર્યકરોએ પણ વળતો મોરચો માંડયો હતો.
કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ સાંસદ પાટીલના મંતવ્ય સામે ભારે નારાજગી વ્યક્ત કરીને ભાજપ કેવી રીતે જાહેર કાર્યક્રમોમાં પ્રોટોકોલનો અમલ નહીં કરી, કોંગ્રેસના નેતાઓને મંચ ઉપર સ્થાન નથી આપવા દેતાં, તેની હૈયાવરાળ ઠાલવી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર પ્રોટોકોલ પ્રમાણે જ ચાલે છે. આ જે નવી ટ્રેન મળી છે, તે રજૂઆતોને કારણે મળી છે. આ રાજનૈતિક મંચ નથી, સરકારી કાર્યક્રમ છે. એટલે હું એવી કોઇ વાત નહીં કરૃં એમ તેમણે જણાવ્યું હતું. જો કે, કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીને પણ પ્રવચન નહીં કરવા દેવા ભાજપ કાર્યકરોએ ભારે શોરબકોર અને નારાબાજી કરીને વાતાવરણ ગજવી નાંખ્યું હતું.
ઉધના-વારાણસી નવી અઠવાડીક ટ્રેનના શુભારંભના એક કલાકના કાર્યક્રમમાં પોણો કલાક નારાબાજી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં પૂરો થયો હતો. કેન્દ્રના રાજ્ય કક્ષાના મંત્રી ભરતસિંહ સોલંકીએ પોતાના ભાગે આવેલા પાંચ મિનિટના પ્રવચનમાં આ ટ્રેનથી બધા ખુશ છે, કોંગ્રેસ પણ ખુશ છે, ભાજપ પણ ખુશ છે, બધાએ આ ટ્રેન માટે ખૂબ રજૂઆત કરી છે. આ માટે દરેકને અભિનંદન આપું છું, એમ કહીને ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી હતી.